100% Original Guarantee For All Products

મૌન એ વાર્તાલાપની મહાન કળા છે

Gujarati-Suvichar

તમારો સ્વજન વાણી દ્વારા તમારું મનદુ:ખ કરે તો મૌન રહો કારણકે તે જે ઓકે છે તે ઝેર છે જે તેના મન અને શરીરમાં ફેલાયેલ છે.આ ઝેર ઘીમે ઘીમે અોછું થતા તેના મન અને શરીરને ઘણું સારું લાગશે.જ્યારે પણ કોઇ ઘરની વ્યક્તિ બિનજરુરી વાણી પ્રહાર કરવામાંડે ત્યારે આપણે પણ મુશ્કેલીમાં મુકાઇ જઇ એના વિરુધ્ધ બોલ્યા વગર જોયા નથી કરતા પરન્તુ સામો વધુ ઉગ્ર વાણી પ્રહાર કરીએ છીએ કે પછી રાડા રાડ અને મારપીટ પણ ​ કરીએ છીએ. પતિ પત્નિ – સાસુ(સસરા) વહુ – નણંદ ભાભી વગેરે માં આ બિલકુલ સામાન્ય છે.ઘણી વખત વાત વધુ વકરી જાય અથવા મોટા ભાગે રોજીંદા ઝગડા ચાલ્યા કરે.પરંન્તુ અહીં જરુરી છે મૌન. 

મૌન એટલે વાણીનો વિવેક. વાણી એટલે મૌનનો વિવેક.વાણી અને મૌન પરસ્પરનાં વિરોધી નથી; પૂરક છે. વાણી વડે મૌન શોભે છે અને મૌન વડે વાણી શોભે છે. જેને મૌન રહેતાં નથી આવડતું એની વાણી ‘બકવાસ’ બની જાય છે, અને જેને બોલતાં નથી આવડયું એનું મૌન ‘જડતા’ બની જાય છે. વાણી અને મૌનનું સંતુલન કેળવવું એ એક સાધના છે. દરેક શબ્દને તેનો પોતાનો અને આગવો અને વિશિષ્ટ અને ચોક્ક્સ અર્થ હોય છે. એ અર્થનો આદર કરવો એટલે જ મૌન અને વાણીનું સંતુલન કર્યું કહેવાય. અર્થનું ગૌરવ વધે તેવું મૌન જોઈએ અને અર્થ ઝાંખો કે વામણો ન લાગે તેવી વાણી જોઈએ.

આપણે આજે વાણીનો કીચડ ઊભો કરીને તેમાં મૌનની મોટરને ફસાવવાનો પુરુષાર્થ ખેડી રહ્યા છીએ. ઘોંઘાટ એટલો બધો વધી ગયો છે કે અર્થ અને શબ્દ પરસ્પરથી વિખૂટા પડી ગયા છે. ઘોંઘાટથી કંટાળીને માનવી મૌન ઝંખે છે. શાંતિ ઝંખે છે. આ મૌન એટલે અર્થસભર શબ્દનો રણકાર અર્થહીન ઘોંઘાટમાંથી મુક્તિ. મૌન એટલે તદ્દન ચુપ રહેવું એવો અર્થ નથી. કેટલીક વખત વ્યક્તિ પાસે કશું બોલવા જેવું હોય જ નહીં અને મૌન રહે તો એને મૌનની સાધના ન કહેવાય. મનમાં કશું જ નથી માટે મૌન નહીં, પરંતુ મનમાં ઘણું બધું પડ્યું છે : એટલું બધું કે શબ્દનું માધ્યમ છીછરું લાગે, માટે મૌન રાખીએ તો એવું મૌન સાધના બને છે. જિજ્ઞાસુઓ એવા મૌનનું શ્રવણ કરવા અધીરા થઈ ઊઠે છે. એવું મૌન મહાન છે. મંગલકારી છે. કારણ કે એ મૌન ખાલી નથી. ઉપર ઉપરનું નથી. એ મૌન ભર્યું ભર્યું ને ભીતરના ઊંડાણનું છે.

જેમ  એક મજબૂત પ્રિન્સિપાલ એક કમજોર સ્કૂલને પણ પૂરેપૂરી બદલી શકે છે.તેમ એક મજબૂત પતિ કે પત્નિ – સાસુ કે સસરા કે વહુ કે દિકરો કે દિકરી,  એક કમજોર પરીવારને પણ બદલી શકે છે,મૌન કે વાણીના વિવેક દ્રારા.પરંતુ મૌનમાંથી અર્થ પ્રગટવો જોઈએ. શબ્દમાંથી શાંતિ પ્રગટવી જોઈએ. શબ્દ ચૂપ રહે અને માત્ર અર્થ બોલે એ ઉત્તમ મૌન અને એ જ ઉત્તમ વાણી અને એ જ ઉત્તમ ભાષા.જ્ઞાની અને સમર્થ વ્યક્તિ તો મૌન જ ધારણ કરવાની ! મૌન એ વાણીનો નિષેધ નહીં, વાણીનો સંયમ સૂચવે છે. મૌન વાચાળ હોવું જોઈએ અને વાણી મૌન હોવી જોઈએ. શબ્દ માનવીના મનોજગતને છતું કરે છે. વાણી વ્યક્તિના વ્યક્તિત્વને પ્રગટ કરે છે. માટે જ શબ્દની કરકસર દ્વારા વ્યક્તિત્વને અને પ્રતિભાને અલંકૃત કરવી જોઈએ. શાબ્દિક પ્રદર્શન એ તો મૂર્ખાઈ પ્રગટ કરવાનો પ્રયોગ છે. હેઝલીટ કહે છે : ‘મૌન એ વાર્તાલાપની મહાન કળા છે.’ ફૂલ બોલવા ચાહે તો ઘણું બધું બોલી શકે એમ છે કારણ કે અંદરથી એ સભર છે. પણ એ મૌનની સૌરભ પ્રસરાવવા માગે છે,ફૂલ પણ ચૂપ છે ને એનો સર્જનહાર પણ ચૂપ છે ! માટે જ, તો એ બન્ને મહાન છે !

સોક્રેટીસે કહ્યું : ‘મૌન રહેતાં શીખો. મૌન પોતે જ સમર્થ વ્યાખ્યાન છે.’

સર્વત્ર સુખિન: સન્તુ

[Some Ref taken from : વાર્તાલાપની કલા મૌન – રોહિત શાહ]

[Image Ref : http://tahukar.com/wp-content/uploads/2012/03/Gujarati-Suvichar.jpg]

Leave a Reply

Shopping cart

0

No products in the cart.

%d bloggers like this: