100% Original Guarantee For All Products

મનુસ્મૃતિ અને સ્ત્રી

મૂળ મનુસ્મૃતિનું નિષ્પક્ષ અધ્યયન કર્યા પછી આપણે ગર્વપૂર્વક એવો દાવો કરી શકીશું કે કદાચ મનુસ્મૃતિ અને ઈશ્વર્કૃત ગ્રંથ વેદ સિવાય આ સંસારમાં બીજો એકપણ ગ્રંથ નથી કે જે સ્ત્રીઓને સમાજમાં સર્વોચ્ચ સ્થાન, સન્માન અને અધિકાર આપવાનો નિર્દેશ કરતો હોય. વર્તમાન સમયમાં સ્ત્રીવાદ પર લખયેલી આધુનિક પુસ્તકોએ પણ મનુસ્મૃતિની સમતુલ્ય બનતા પહેલાં ઘણી લાંબી સુધાર પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

મનુસ્મૃતિ સિવાય મેં હજી સુધી એવી એકપણ પુસ્તક વાંચી નથી કે જે સુસ્પષ્ટ ઢંગથી એવો દાવો કરતી હોય કે સ્ત્રી એ આદર્શ અને સમૃદ્ધ સમાજરૂપી ઈમારતનો પાયો છે.

૩.૫૬: જે કુળમાં નારીઓની પૂજા અર્થાત સત્કાર થાય છે, તે કુળમાં દિવ્યગુણવાળી અને ઉત્તમ સંતાન પ્રાપ્ત થાય છે. અને જે કુળમાં સ્ત્રીઓનો સત્કાર થતો નથી ત્યાં સર્વ ક્રિયાઓ નિષ્ફળ નીવડે છે. 

આ શ્લોક સ્ત્રીઓની ખોટી પ્રસંશા કે ખુશામત કરતો નથી, પણ સત્ય વચન કહે છે. આ શ્લોક સ્ત્રીઓની આલોચના કરનાર, સ્ત્રીઓને બદનામ કરનાર અને સ્ત્રીઓને નીચી દેખાડનાર માટે એક કડવું સત્ય છે. પણ સ્ત્રીઓને માતૃશક્તિ ગણી તેમનો આદર કરનાર માટે મધુર અમૃત સમાન છે.

પ્રકૃતિનો આ અટલ નિયમ પરિવાર, સમાજ, પંથ, રાષ્ટ્ર અને સંપૂર્ણ માનવતા માટે એક સમાન રીતે લાગુ પડે છે

મનુના આ મહાન ઉપદેશને આપણે નકાર્યો અને આથી જ આપણો દેશ સર્વ સંપન્ન, મહાન અને સમૃદ્ધ હોવા છતાં આપણે સદીઓ સુધી વિદેશીઓ આક્રન્તાઓના ગુલામ રહ્યાં. વિદેશીઓના આક્રમણ પછીપણ આપણેમનુના આ ઉપદેશની અવગણના કરી અને આથી જ આપણાં દેશની સ્થિતિ ખરાબ માંથી અતિશય ખરાબ થઇ! પણ સદભાગ્યે ઓગણીસમી સદીના અંતમાં રાજા રામ મોહનરાય, ઈશ્વર ચંદ્ર વિદ્યાસાગર અને સ્વામી દયાનંદ જેવા મહાન સમાજ સુધારકોના પ્રયત્નોના ફળ સ્વરૂપ આપણે વેદ ઉપદેશોને આપણાં જીવનમાં આત્મસાત્ કરવા લાગ્યાં અને આથી દેશ ધીરે ધીરે સુઘાર અને ઉન્નતિ તરફ આગળ વધતો ગયો.

ઘણાં રૂઢીચુસ્ત મુસ્લિમ દેશો સ્ત્રીઓને પુરુષોની સરખામણીમાં ઓછી(અડધી) બુદ્ધિમાન અને વિદ્ધતાપૂર્ણ હોવાનું માને છે. તેઓ સ્ત્રીઓને પુરુષો જેવા જ સમાન અધિકારને પાત્ર ગણતા નથી. આથી જ આ દેશોની હાલત નર્ક કરતા પણ બત્તર છે. યુરોપ સદીઓ સુધી બાઈબલ અનુસારના સ્ત્રીઓના અપમાનસ્પદ અને અનાદરર્પૂર્ણ સિદ્ધાંતને અનુસરતો આવ્યો અને આથી જ તે વિશ્વનો સૌથી અંધવિશ્વાસી, વહેમી અને પાખંડી ખંડ બની રહ્યો. પણ છેવટે ત્યાં ધાર્મિક અને સામાજિક સુધારનો યુગ આવ્યો અને આધુનિક વિજ્ઞાનની ઉત્પત્તિ થયા બાદ લોકોએ બાઈબલને ગંભીરતાપૂર્વક લેવાનું બંધ કર્યું.

આથી આ દેશોની આર્થિક પ્રગતિ થઈ. પણ હજુ પણ આ દેશોમાં સ્ત્રીઓને માતૃ-શક્તિ તરીકે માન અને સન્માન આપવાનની જગ્યાએ મનોરંજન અને વાસના સંતોષવા માટેની એક રૂઢીવાદી વસ્તુ તરીકે જ જોવામાં આવે છે. આથી જ ભૌતિક ઉન્નતિ અને સમૃદ્ધિ હોવા છતાં પણ આ દેશો આજે પણ માનસિક અશાંતિ અને અસલામતીના શિકાર છે.

ચાલો આપણે મનુસ્મૃતિમાંના કેટલાંક સ્ત્રી સંબધી શ્કોલોને જાણીએ અને મનુના ઉપદેશોને પરિવાર, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં અમલમાં લાવીએ.

સ્ત્રીઓના આદરનું વિધાન અને તેનું ફળ

૩.૫૫: પિતા, ભાઈ, પતિ અને દિયર માટે યોગ્ય છે કે તેઓ પોતાની કન્યા, બહેન, પત્ની અને ભાભી વગેરે સ્ત્રીઓનો હંમેશા સત્કાર કરે. તેઓને યથાયોગ્ય મધુર ભાષાણ, ભોજન, વસ્ત્ર, આભુષણ વગેરેથી હંમેશા પ્રસન્ન રાખે. જેઓ પોતાનું કલ્યાણ ઈચ્છાતા હોય તેઓએ પોતાના પરીવારની સ્ત્રીઓને કદી પણ કલેશ ન આપવો.

સ્ત્રીઓ શોકમગ્ન રહેવાથી પરિવારનો વિનાશ

૩.૫૭: જે કુળમાં સ્ત્રીઓ પોત-પોતાના પુરુષોના વેશ્યાગમન, અત્યાચાર કે વ્યભિચાર વગેરે દોષોથી શોકાતુર રહે છે તે કુળ શીઘ્ર નાશ પામે છે, અને જે કુળમાં સ્ત્રીઓ પુરુષોના ઉત્તમ આચરણથી પ્રસન્ન રહે છે તે કુળ સદા ઉન્નતિ કરે છે.

૩.૫૮: જે કુળમાં અને ઘરોમાં અપૂજિત એટલે કે સત્કારને પ્રાપ્ત નહીં થનારી સ્ત્રી જે ગૃહસ્થોને શાપ આપે છે તે કુળ તથા ગૃહસ્થો જેમ વિષ આપવાથી મનુષ્ય નષ્ટ થઇ જાય છે, તેમ સર્વ પ્રકારે નષ્ટ થઇ જાય છે.

સ્ત્રીઓના હંમેશા સત્કાર-સન્માન કરવા

૩.૫૯: ઐશ્વર્યની ઈચ્છા કરનાર પુરુષો માટે યોગ્ય છે કે ઉત્સવોમાં અને જ્યારે જ્યારે સત્કારનો સમય આવે ત્યારે ત્યારે ભૂષણ, વસ્ત્રો અને ખાનપાન આદિથી સ્ત્રીઓનો સત્કાર કરી તેમને પ્રસન્ન રાખે.

સ્ત્રીની પ્રસન્નતાથી કુળમાં પ્રસન્નતા

૩.૬૨: જો સ્ત્રી પુરુષ એકબીજાને પ્રસન્ન ન રાખે તો તે સ્ત્રી તથા પુરુષના અપ્રસન્ન રહેવાથી આખું કુળ અપ્રસન્ન અને શોકાતુર રહે છે. અને જો પુરુષથી સ્ત્રી પ્રસન્ન રહે છે તો આખું કુળ તથા કુટુંબ આનંદરૂપ દેખાય છે.

સ્ત્રીઓ ઘરની લક્ષ્મી

૯.૨૬: હે પુરુષો! સંતાન પ્રાપ્તિ માટે મહાભાગ્યોદય કરનારી સત્કાર યોગ્ય અને ગૃહસ્થઆશ્રમનો પ્રકાશ કરનારી સ્ત્રીઓ જે ઘરોમાં છે તે લક્ષ્મીસ્વરૂપછે.

આ શ્લોકમાં સ્ત્રીને લક્ષ્મીસ્વરૂપ કહી છે. કેમ કે લક્ષ્મી, શોભા, શ્રી અને સ્ત્રીઓમાં કઈ પણ ભેદ નથી.

ઘરનું સુખ સ્ત્રી પર નિર્ભર

૯.૨૮: સંતાનપ્રાપ્તિ, ધર્મકાર્ય સેવા, ઉત્તમ સેવા અને રતિ તથા પોતાનું અને પિતા આદિ વડીલોનું સર્વ સુખ સ્ત્રીને આધીન છે, એટલે કે સ્ત્રીને લીધે છે.

બીજા શબ્દોમાં કહીએ તો, સ્ત્રી ઘણી રીતે આનંદનો મૂળ સ્ત્રોત છે. – માતા, પુત્રી, પત્ની તરીકે તો, કોઈક વખત આધ્યાત્મિક કામોમાં સહભાગી તરીકે! આનો એ અર્થ થાય છે કે અધ્યાત્મિક કાર્યોમાં, ધાર્મિક કર્મકાંડોમાં, વેદ અધ્યયન અને તેના પ્રચારમાં સ્ત્રી સહભાગી હોવી અતિ આવશ્યક છે.

૯.૯૬: સ્ત્રી અને પુરુષ એકબીજા વગર અપૂર્ણ છે. આથી અતિ સામાન્ય ધાર્મિક કાર્યમાં સ્ત્રી અને પુરુષ એકબીજાના સહભાગી બને તે આવશ્યક છે.

આમ, જે લોકો સ્ત્રીઓને વૈદિક પઠન પાઠનથી કે વૈદિક વિધિઓથી વંચિત રાખે છે તેઓ અવૈદિક અને માનવતાના શત્રુ છે.

વિવાદ ન કરવા યોગ્ય વ્યક્તિ

૪.૧૮૦: જ્ઞાની પુરુષે યજ્ઞ કરનાર, સદા ઉત્તમ આચરણની શિક્ષા આપનાર, વિદ્યા ભણાવનાર, અતિથિ, માતા, બહેન, પુત્રી, પત્ની અને સેવકો વગેરે સાથે વિવાદ કે તેમના વિરુદ્ધ ઝગડો કદી કરવો નહીં.

સ્ત્રી પ્રતિ કર્તવ્યપાલન ન કરનાર પિતા, પતિ અને પુત્ર નિંદાને પાત્ર

૯.૪: વિવાહની અવસ્થામાં કન્યાને ન આપનાર અર્થાત તેનો વિવાહ ન કરનાર પિતા નિંદનીય બને છે. વિવાહ થઇ ગયા પછી પત્નીને સંતોષ ન આપનાર પતિ નિંદનીય બને છે. અને પતિના મૃત્યુ પછી માતાનું ભરણ-પોષણ આદિથી રક્ષા ન કરનાર પુત્ર નિંદનીય બને છે.

બહુપતિત્વ એક પાપ

૯.૧૦૧ પતિ અને પત્ની એકબીજાથી સંતુષ્ટ રહી આજીવન સાથે રહે. તેઓ એકબીજાથી વિપરીત આચરણ ન કરે, વ્યાભિચારી ન બને અને લગ્નેત્તર સબંધો ન રાખે. આ જ માનવ ધર્મ છે.

ધર્મના મૂળ સિદ્ધાંતની અવગણના કરી જે સમાજ બહુપતિત્વ, અસ્થાયી વિવાહ અને સ્ત્રીઓના જાતીય શોષણ/ગુલામીનું સમર્થન કરી તેને યોગ્ય ગણે છે તે સમાજની ક્યારેય ઉન્નતિ થતી નથી. તે સમાજ નિશ્ચિતપણે કલેશ, વિપત્તિ અને દુઃખમાં ડૂબેલો રહે છે.

સ્ત્રી નેતૃત્વ અને સ્વયંશાસન

૯.૧૧  સ્ત્રીઓને આર્થિક વહીવટમાં, વેદ અધ્યયનમાં, આધ્યાત્મિક કાર્યોમાં, ધાર્મિક અનુષ્ઠાન અને વિધિઓમાં, તથા પરિવારના પોષણ અને આરોગ્ય સંરક્ષણ જેવા અગત્યના કાર્યોમાં આગેવાન બનાવવી.

આમ સ્ત્રીઓને વૈદિક વિધિઓમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી તેવા દાવાને આ શ્લોક ખોટો પુરવાર કરે છે. ઉલટાનું, સ્ત્રીઓની આવાં ધાર્મિક અનુષ્ઠાનોમાં અગ્રણી ભૂમિકા હોવી જરૂરી છે. આમ જે લોકો એવો દાવો કરતા ફરે છે કે સ્ત્રીઓને વેદોના પઠન પાઠનનો કે વૈદિક વિધિઓમાં ભાગ લેવાનો કોઈ અધિકાર નથી તેઓ અવૈદિક અને મનુ વિરોધી છે. આવી જ પક્ષપાતી માનસિકતાવાળા લોકો દેશની કફોડી હાલત માટે જવાબદાર છે. સ્ત્રીઓના માન અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનાર આવી વિકૃત માનસિકતાને આપણે મૂળમાંથી ઉખાડી ફેકવી જોઈએ.  

૯.૧૨ વિશ્વસનીય પિતા, પતિ કે પુત્ર વગેરે પુરુષો દ્વારા ઘરમાં ગોંધી રાખેલ સ્ત્રીઓ પણ અસુરક્ષિત છે. આવી નજરકેદ રાખેલ સ્ત્રીઓ પણ બુરાઈઓથી બચી શકતી નથી. સ્ત્રીઓ જ્યારે પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાથી સ્વયં પોતાની રક્ષા કરે ત્યારે જ તે દુર્ગુણોથી વાસ્તવમાં સુરક્ષિત રહી શકે છે.

આ શ્લોક ઉપદેશ કરે છે કે સુરક્ષા આપવાની આડમાં સ્ત્રીઓને ઘરમાં ગોંધી રાખવી એ યોગ્ય નથી.  ઉલટાનું, સ્ત્રીઓની સાચા અર્થમાં સુરક્ષા તેઓ પોતાની સ્વયં રક્ષા કરી શકે અને કુસંગતથી દૂર રહી શકે તે માટે યોગ્ય પ્રશિક્ષણ આપી તેમને આત્મનિર્ભર અને નિર્ભય બનાવવામાં છે. આમ સ્ત્રીઓને ઘરના એક ખૂણામાં ગોંધી રાખવાની માનસિકતા મનુવાદ વિરોધી છે.    

સ્ત્રી રક્ષા

૯.૫: થોડા કુસંગના પ્રસંગથી પણ સ્ત્રીઓની વિશેષરૂપથી રક્ષા કરવી જોઈએ. કારણ કે અસુરક્ષિત સ્ત્રીઓ પતિ અને પિતા એમ બંનેના કુળોને સંતાપમાં ડૂબાડી દે છે.

૯.૬ દુર્બળ પતિએ પણ કુસંગોથી પોતાની પત્નીની રક્ષા કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ.

૫.૧૪૯: સ્ત્રીઓએ હંમેશા પુરુષોની સહાયતાની અપેક્ષા રાખવી જોઈએ. સ્ત્રી રક્ષા એ પિતા, પતિ અને પુત્રનું દાયીત્વ છે.

અહીં એ વાતની ખાસ નોંધ લો કે સ્ત્રીઓની સુરક્ષાનો અર્થ તેઓને ઘરમાં ગોંધી રાખી તેઓની સ્વતંત્રતા પર અંકુશ રાખવો એવો થતો નથી. અહીં કહેવાનો ભાવાર્થ એ છે કે જે સમાજ પાપીઓથી સ્ત્રીઓની રક્ષા કરવામાં નિષ્ફળ નીવડે છે તે સમાજ તેમના જ ભાવીનું પતન નોતરે છે.

આ જ પ્રેરણાને કારણે જ્યારે પશ્ચિમ અને મઘ્ય એશિયાના કસાઇઓના આપણાં દેશ પર આક્રમણ થતા હતા ત્યારે તે અંધકારમય યુગમાં સ્ત્રીઓની માન અને પ્રતિષ્ઠાના રક્ષણ માટે મહાન શુરવીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. આજે પણ અલ્હ-ઉદલનું બલિદાન અને મહારાણા પ્રતાપની વીરતાની ગાથાઓથી આપણાં લોહીમાં ગૌરવની ધારા ફૂટી નીકળે છે.

પણ એ શરમજનક વાત છે કે આપણી સંસ્કૃતિ દુર્બળરક્ષક અને સ્ત્રીરક્ષક હોવા છતાં કા તો સ્ત્રીને ઘરમાં ગોંધી રાખી તેનો વિકાસ રૂંધવામાં આવે છે અથવા તો તેને વાસના સંતોષવાની એક વસ્તુ ગણી ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે આપણે પોતે જ સ્ત્રી રક્ષકમાંથી સ્ત્રીભક્ષક બન્યાં તો પછી આપણને કોણ બચાવી શકે?

સ્ત્રી વિવાહ

૯.૮૯: જો વર-કન્યાના ગુણ, કર્મ અને સ્વભાવ પરસ્પર વિરુદ્ધ હોય અને વર કન્યાને યોગ્ય ન હોય તો ભલેને કન્યા આજીવન કુંવારી રહે, પણ તેનો વિવાહ આવાં વર સાથે ન કરાવવો જોઈએ.

૯.૯૦-૯૧: શારીરિક અને માનસિક રીતે પરિપક્વ થયા બાદ કન્યા પોતાના વરનો ચુનાવ કરવામાં સંપૂર્ણ સ્વતંત્ર છે. આ ઉપરાંત જો માતા-પિતા કન્યા માટે યોગ્ય વરનો ચુનાવ ન કરી શકે તો કન્યા સ્વયં પોતાના વરનો ચુનાવ કરે.

આમ માત્ર માતા-પિતાને જ પોતાની કન્યા માટે યોગ્ય વરની પસંદગી કરવાનો હક છે તે માન્યતા મનુવાદ વિરુદ્ધ છે. એક પરિપક્વ કન્યાને પોતાના માટે યોગ્ય વરનો ચુનાવ કરવાનો પૂર્ણ અધિકાર છે. આમ મનુવાદ આજના સમયમાં સમાજમાં પ્રસરેલી ખોટી રીતનો વિરોધ કરતા કહે છે કે “માતા પિતા કન્યાના વિવાહના માત્ર આયોજક જ બની રહે અને નહીં કે કન્યા માટે વર ચુનાવના અંતિમ નિર્ણાયક!”

સંપત્તિ પર સ્ત્રીઓનો વિશેષ અધિકાર

૯.૧૩૦: પુત્રી પુત્રને સમાન હોય છે. આથી પુત્રીની ઉપસ્થિતિમાં તેની સંપતિ હડપવાનો અધિકાર કોઈને નથી.

૯.૧૩૧: માતાની સંપત્તિ પર માત્ર પુત્રીનો જ અધિકાર છે.

આમ મનુ મહર્ષિ અનુસાર પિતાની સંપત્તિ પુત્રીને તેના ભાઈઓ સાથે સરખે ભાગે વહેચવી જોઈએ, પણ માતાની સંપત્તિ પર તોમાત્ર પુત્રીનો જ વિશેષ અધિકાર છે. પુત્રીને આ વિશેષ અધિકાર આપવા પાછળનું કારણ એ છે કે પુત્રી ભવિષ્યમાં ક્યારેય કોઈ પુરુષની દયા પર નિર્ભર ન રહે. કારણ કે આત્મનિર્ભર અને ગૌરવશાળી સ્ત્રી જ એક સુખી અને સમૃદ્ધ સમાજનો પાયો નાખી શકે!

૯.૨૧૨-૨૧૩: જો કોઈ વ્યક્તિને પત્ની કે સંતાન ન હોય તો તેની સંપત્તિ તેના ભાઈ બહેન વચ્ચે એક સરખે ભાગે વહેચાવી જોઈએ. જો મોટો ભાઈ અન્ય ભાઈ બહેનોમાં સંપત્તિની એક સમાન વહેચણીનો વિરોધ કરે તો તે કાયદા અનુસાર દંડને પાત્ર છે.

સ્ત્રીઓની આર્થિક સલામતીને ધ્યાનમાં લેતા મનુ મહારાજ કહે છે કે સ્ત્રીની સંપત્તિને લૂંટનારને સખત સજા થવી જોઈએ, ભલેને તે પછી તે સ્ત્રીના સગા સંબંધી જ કેમ ન હોય!

૮.૨૮-૨૯: જો પિતા, પતિ કે પુત્રના અભાવે સ્ત્રી એકલી હોય અને પરિવારમાં કોઈ પુરુષ તેનું રક્ષણ કરનાર ન હોય, અથવા તો સ્ત્રીનો પતિ વિદેશ ગયો હોય, અથવા તો પતિ રોગગ્રસ્થ અને નબળો હોય તો તે સ્ત્રીની સુરક્ષાની જવાબદારી શાસક વર્ગ/સરકારની રહે છે. આવી સ્થિતિમાં જો સ્ત્રીની સંપત્તિ તેના પરિવાર કે મિત્રો લુંટવાનો પ્રયત્ન કરે તો આવાં દોષીઓને કઠોર દંડ આપી સ્ત્રીની સંપત્તિ તેને પાછી લઇ આપવાની જવાબદારી સરકારની રહે છે.

કન્યાનું મૂલ્ય લેવાનો નિષેધ

૩.૫૨: જે વર અને વરના પિતા, ભાઈ વગેરે સંબંધીઓ લોભ કે તૃષ્ણાને વશીભૂત થઈને કન્યા પક્ષની ધન-સંપતિ, સવારી કે વસ્ત્રો લઈને તેનો ઉપભોગ કરી જીવે છે તે પાપી લોકો નીચગતિને પ્રાપ્ત થાય છે.

આવી દહેજ પ્રથા પર મનુસ્મૃતિ આકારો પ્રતિબંધ મુકે છે. સ્ત્રીની સંપત્તિ હડપવાનું દુ:સાહસ કોઈએ કદી ન કરવું.

આ પછીનો શ્લોક કહે છે કે કન્યા અને વર પક્ષની વચ્ચે કોઈ પણ વસ્તુની લેવડ દેવડ થવી તે ઉત્તમ/આદર્શ વિવાહની વિરુદ્ધ છે.મનુ કહે છે કે જે વિવાહમાં દહેજ આપવા લેવાની વાત આવે તે વિવાહ “અસુરી વિવાહ” ગણાય છે!

સ્ત્રીઓને હાની પહોચાડનારને સખત દંડ

૮.૩૨૩: સ્ત્રીઓનું અપહરણ કરનારને મૃત્યુદંડ ફટકારવામાં આવે.

૯.૨૩૨: સ્ત્રીઓ, બાળકો કે પછી વિદ્વાનોની હત્યા કરનારને સખત દંડ ફટકારવામાં આવે.

૮.૩૫૨: સ્ત્રીઓનો બળાત્કાર કરનાર, સ્ત્રીઓની છેડતી કરનાર કે પછી સ્ત્રીઓને વ્યાભિચાર માટે દબાણ કરનારને યાતનાપૂર્ણ દંડ આપવામાં આવે. આ દંડ એવો હોવો જોઈએ કે અન્ય લોકો દંડની યાતનાથી ભયભીત થઇ આવો અપરાધ કરતા પહેલાં વિચાર કરે.

http://timesofindia.indiatimes.com/india/Castrate-child-rapists-Delhi-judge-suggests/articleshow/8130553.cms અનુસાર ન્યાયાધીશે કહ્યું છે કે: વધતા જતા બળાત્કારોને કાબુમાં લાવવા માટે વંધ્યકરણ જ અતિ યોગ્ય દંડ છે.

અગ્નિવીર આવાં કાયદા સાથે સંપૂર્ણપણે સહમત છે.

૮.૨૭૫: માતા, પત્ની કે પુત્રી સાથે નીચ વ્યવહાર કરનાર અને ખોટા આરોપો મૂકી ઝગડા કરનાર પુરુષને દંડ થવો જોઈએ.

૮.૩૮૯: પોતાની માતા, પિતા, પત્ની કે બાળકોનો નિર્દોષ હોવા છતાં ત્યાગ કરનાર પુરુષ સખત દંડને પાત્ર છે.

કોણ કોને માર્ગ આપે

૨.૧૩૮: સવારીમાં બેઠેલ લોકોએ વૃદ્ધોને, રોગીઓને, બોજ ઉઠાવીને ચાલનારને, સ્ત્રીઓને, વિદ્યાર્થીઓને ,રાજાને અને વરરાજાને પહેલાં માર્ગ આપવો.

અતિથિ પહેલાં કોને ભોજન આપવું

૩.૧૧૪: નવ વિવાહિત અને નાની વયની કન્યાઓ, રોગીઓ, ગર્ભવતી સ્ત્રીઓ આ લોકોને અતિથિઓથી પહેલાં જ કોઈપણ જાતની શંકા વગર એટલે કે નાના-મોટા કે આગળ-પાછળ ભોજન કરાવવાના વિચાર કર્યા વગર જમાડવા.

તો આવો આપણે સાથે મળીને સ્ત્રીઓને માતૃ શક્તિના રૂપમાં સન્માન આપીએ અને તેના માન અને પ્રતિષ્ઠાનું રક્ષણ કરી ખરા મનુવાદની સ્થપાના કરીએ! આમ કર્યા સિવાય સમાજ, દેશ અને વિશ્વમાં સમૃદ્ધિની પુન:સ્થાપના કેવી રીતે શક્ય બને?

સંદર્ભ: ડો. સુરેન્દ્ર કુમાર, પંડિત ગંગાપ્રસાદ ઉપાધ્યાય અને સ્વામી દયાનંદ સરસ્વતીની રચનાઓ.

Taken from : http://agniveer.com/manu-smriti-and-women/

Leave a Reply

Shopping cart

0

No products in the cart.

%d bloggers like this: