આ આર્ટીકલ કોણે લખ્યો છે એ મને ખબર નથી પરંતું મારી પાસે આ લખાણ મને વોટ્સ એપના માધ્યમથી મળ્યું છે અને હું જે તે લેખકની વિચારધારા જોડે ખરેખર સંમત છું.
જ્યારે કોઈપણ બાબતનો વિરોધ કરો ત્યારે તેનો પુરો અભ્યાસ કરો. આજે ચાઈના ઊગતો સૂર્ય છે. ચાઈના એક બેદર્દ વેપારી છે. કોવિડ-19 ના કારણે ફરી એકવાર ચીની વસ્તુઓનાં ઉપયોગનો ત્યાગ કરવાની ફેશન ચાલી છે. તમે જાણતાં હશો જ કે અત્યારે કોરોનાનો રિપોર્ટની કીટ, માસ્ક, PPT, સેનેટાઈઝર એ પણ મેઈડ ઈન ચાઈના જ છે. સાચું પૂછો તો ચાઈનીઝ વસ્તુઓનો ત્યાગ હાલ શક્ય જ નથી.
ચાઈનાની વ્યાપારી તાકાતનો અંદાજો લગાવવા આ આંકડા વાંચો- વર્ષ 1990 માં ચીન વિશ્વના ઉત્પાદનમાં 3% ઉત્પાદન હિસ્સો ધરાવતું હતું. હવે એનો સિંહફાળો/ડ્રેગનફાળો છે પૂરા 25%. દુનિયાનાં 80% એ.સી., 70%મોબાઈલ, 60% શૂઝ, 74% સોલાર સેલ, 60%સિમેન્ટ, 50% કોલસો, 45% શિપિંગ, 50% સ્ટીલ એકલું ચીન ઉત્પાદન કરે છે. આ સિવાય એવી અગણિત વસ્તુઓ છે જેમાં ચીનની મોનોપોલી છે. સોની, માઈક્રોસોફ્ટ, એપલ, કેનોન જેવી મલ્ટીનેશનલ કંપનીઓ પોતાનાં ઉત્પાદનો ચીનમાં બનાવડાવે છે.
જો ચીની માલનો બહિષ્કાર કરવા બેસો તો ઘરમાંથી 30% વસ્તુઓ ફેંકી દેવી પડે !!! માત્ર ચીની વસ્તુઓનો ત્યાગ કરવો એ તો નકારાત્મક રસ્તો છે. અહી સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આપણે એવું શું કરવું જોઈએ કે ચીન પાછળ રહી જાય. સૌ પ્રથમ આપણે બચતથી શરૂઆત કરીએ. ભારતનું ધન ક્રૂડ ઓઈલમાં સૌથી વધુ ખર્ચાય છે. જો આ બીલમાં ઘટાડો થાય તો એ પૈસા બચે. આ માટે દેશનાં વાહનો પર ધ્યાન આપવું પડશે. અતિ ઝડપે આવનારાં દસેક વર્ષમાં ઈલેકટ્રીક વાહનોની સંખ્યા કુલ વાહનોનાં 50 % થી 75 % કરવી પડશે. હાલ ક્રૂડનો ભાવ સાવ તળિયે બેસી ગયો છે. ખંધા ચીને અગમચેતી વાપરી સાત અબજ બેરલ ક્રૂડ ખરીદી, તેનો સ્ટોક કરી લીધો છે. આપણે ધારાસભ્યો ખરીદવામાં પડ્યા છીએ.
સ્વીગી, પેટીએમ, ઓલા, ઝોમાટો, જેવી સ્ટાર્ટ અપ કંપનીઓ ભારતની છે. આવનારું ભવિષ્ય એમનાં માટે ઉજળું છે. આ કંપનીઓમાં કોણે રોકાણ કર્યું છે ? યસ, ચાઈનીઝ કંપનીઓએ. આપણે તો નાની બચત, ફીક્સ ડિપોઝીટ અને સોનુ આ ત્રણ સિવાય કશું વિચારીએ જ શાનાં ! હવે આ ત્રણ ઓપ્શન પછી ચોથું ઓપ્શન આવી કંપનીઓમાં રોકાણ કરવાની સદ-બુદ્ધિ કેળવો.
કેટલાક એવો તર્ક આપે છે કે ચીનનાં વર્કરો સોંઘા છે. ના, એવું નથી. વર્કરો તો ભારત જેટલાં ભાવે જ કામ કરે છે. મહત્વનો તફાવત કામગીરીનો છે. આપણાં વર્કરો અન-સ્કીલ્ડ છે. જ્યારે તેમનાં વર્કરો સ્કીલ્ડ વર્કરો છે. ઉદાહરણ તરીકે એક સિમેન્ટ ફેક્ટરીમાં આપણાં સાત મજૂરોની ટીમ આઠ કલાકમાં પાંચસો સિમેન્ટની થેલીઓ ઉત્પાદિત કરે છે જ્યારે ચીનાઓ એટલાં જ મજૂરો અને એટલાં જ સમયમાં લગભગ બારસો સિમેન્ટની થેલીઓનું મેન્યુફેક્ચરિંગ કરે છે. બંને મજૂરી પેટે કલાક દીઠ પાંચ ડોલર લે છે તો દેખીતી વાત છે કે ચીનનાં વર્કરો સોંઘા પડે છે.
આપણે ત્યાં જેને પોતાનું નામ લખતાં અને વાંચતાં આવડે એને સાક્ષર ગણી તેનાં આંકડાઓ પર ગર્વ કરીએ છીએ. જો આ વ્યાખ્યાને કાઢી નાંખીએ તો આપણી 50% પ્રજા આજેય નિરક્ષર છે. શિક્ષણ વગર તો પ્રગતિ શક્ય જ નથી. ચીનાઓ પોતાનાં બાળકોને સારામાં સારું શિક્ષણ આપવા પ્રયત્નશીલ રહે છે. સરકાર પણ ઈચ્છે છે કે દેશનાં બાળકો ઉત્તમ શિક્ષણ મેળવે. તેઓને દેશ-વિદેશની ઉચ્ચ સંસ્થાઓમાં શિક્ષણ મેળવવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જે રાજ્યનાં શિક્ષણમંત્રીઓ પાંચ ધોરણ પાસ હોય અને આરોગ્યમંત્રી આઠ ધોરણ પાસ હોય ત્યાં “હરી બોલ” !
હવે છેલ્લી પણ મહત્વની વાત. રાજકીય સ્થિરતાનો અભાવ. ચીન આ બાબતમાં ફૂલ માર્ક્સ મેળવી જાય છે. આપણે ત્યાં ટેલીવિઝન ચેનલ પર જેટલી હિન્દુ-મુસ્લિમ, નાત-જાત, ધારાસભ્યોની ખરીદી-વેચાણ, લાલ ચટણી-લીલી ચટણી વિષે જેટલી ચર્ચાઓ થાય છે એમાથી અડધા ભાગની ચર્ચાઓ દેશનાં વિકાસ માટેની થતી નથી. જ્યાં રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ હોય ત્યાં વિકાસ અશક્ય છે.
આ પોસ્ટ લખવાની પ્રેરણા એક મિત્રએ મોકલેલ ટીકટોક અનઈન્સ્ટોલ કરવાની વાતથી મળી. ટીકટોક એક ચાઈનીઝ એપ છે એટલે આપણે એને અનઈન્સ્ટોલ કરવી જોઈએ એવી સૂફીયાણી વાત કોઈ દેશભક્તે મોકલી હતી. સાહેબ, બીજાને આવી રીતે ક્યારેય હરાવી શકાશે નહી. આખા વર્લ્ડમાં ટીકટોકનાં એકટીવ યુઝર્સ પચાસ કરોડ છે ! ટીકટોકને મોબાઈલમાથી કાઢવી હોય તો શ્રેષ્ઠ ઉપાય છે કે તેનાથી ઉત્તમ એપ બનાવો. લોકો આપોઆપ કાઢી નાંખશે.
શરૂઆતમાં જ લખ્યું હતું- ચાઈના એક બેદર્દ વેપારી છે. પાકિસ્તાન અને શ્રીલંકાને આનો પરચો મળી ગયો છે. પાકિસ્તાનનું ગ્વાદર બંદર અને શ્રીલંકાનું હંબનટોટા બંદર ચીનાઓએ 99 વર્ષની લીઝ પર આંચકી લીધાં છે. આજે પાકિસ્તાન એ હદે પરોપજીવી થઈ ગયું છે કે ત્યાં 89% દૂધ ચાઈનાથી આવે છે. જો ચાઈના બે દિવસ દૂધ ન મોકલે તો પાકિસ્તાનીઓ ચા પણ ન પી શકે એવી હાલત છે. શ્રીલંકા તો લગભગ ગીરવી જ મૂકાઈ ગયું છે. ભારતે ચીનથી અંતર રાખીને સારું કર્યું છે.
ચીનની વસ્તુઓનો વિરોધ કરો એની ના નથી પણ પહેલાં દેશમાં જે અયોગ્ય ચાલી રહ્યું છે તેનો વિરોધ કરો. ચીન અને આપણે સાથે જ દોડવાનું ચાલુ કર્યું હતું. આપણે નકામી વાતોમાં ધીમા પડી ગયાં અને ચીન દોડતું જ રહ્યું. ચીન આપણાથી ફાસ્ટ દોડ્યું નથી આપણે ચીનથી ધીમા દોડ્યા છીએ.
પાનનાં ગલ્લે પાંચ રૂપરડીની વિમલ ખાઈને થૂંકાથૂંક કરતાં યુવાનો, સોસાયટી કે ગામડાનાં પાદરે બાંકડાઓ પર બેસી લવારી કરતાં યુવાનો દેશનું અપમાન છે, દેશનું કલંક છે. પહેલાં એ બંધ કરાવો. ચાઈનીઝ વસ્તુઓનાં વિરોધ કરતાં આ અગત્યનો વિરોધ હશે.
Source: Whatsapp