મહાત્મા ગાંધી ભણવામાં હોશિયાર નહોતા, પણ પોતાનું ઘડતર જાતે કરવાની ત્રેવડ એમણે મેળવી લીધેલી હતી.નોબેલ ઈનામ જીતી શકવા જેટલું પ્રાણવાન અંગ્રેજી ગદ્ય લખનારા અને યુદ્ધ જીતવા જેટલા સમર્થ બનનારા બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ ભણવામાં ‘ઢ’ હતા.જેમણે સાહિત્યમાં નામ મેળવ્યું, વિજ્ઞાનની નવી શોધો કરી, ઉદ્યોગો સ્થાપ્યા, એ બધા લોકો ભણવામાં અચૂક હોંશિયાર નહોતા. કેટલાક જરૂર ભણવામાં પણ હોંશિયાર હશે, પરંતુ તેમની સિદ્ધિની સગાઈ તેમના ભણતર સાથે નહોતી. તેમની સફળતાના પાયામાં તેમની હૈયાઉકલત, તેમનો ઉદ્યમ, તેમની લગન અને તેમનું ધૈર્ય હતું. ભણતર અને ડિગ્રીની પ્રાપ્તિ, એ જાણે તમામ સુખોનો આરંભ હોય તેવું સમજી બેઠા છીએ. આથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો બધા એકીસાથે નિરાશ થાય છે.
શાળામાં કે કૉલેજમાં તમે કેટલી માહિતી કંઠસ્થ કરી તેનું ખાસ મૂલ્ય નથી.વિદ્યાની પ્રાપ્તિ એ મોટી વસ્તુ છે; પણ માહિતીનો સંગ્રહ અને પરીક્ષાના અભિમન્યુચક્રને પાર પાડવાનું કૌશલ, એ બહુ મોટી વસ્તુ નથી.બાળકો, કિશોરો અને જુવાનોને આપણે જીવનનાં સાચાં મૂલ્યોનું થોડુંક ભાન કરાવીએ તે જરૂરી છે. આપણે બાળકોને સમજાવવાની જરૂર છે કે શાળા અગર કૉલેજમાં નિયમિત હાજરી, અંધાધૂંધ ગોખણપટ્ટી અને પરીક્ષામાં ઊંચી પાયરીની પ્રાપ્તિ એ વિદ્યાનો મર્મ નથી અને એ જીવનની સાર્થકતા પણ નથી. શાળા કે કૉલેજ છોડતાંની સાથે અભ્યાસ પૂરો કર્યાની લાગણી જ પેદા કરે તે કેળવણી ખોટી છે. શાળા-કૉલેજની તાલીમ જો વિદ્યાનાં ગિરિશૃંગો સર કરવાની સાહસિકતા અને તાલાવેલી જગાડે, તો સાચી કેળવણી.આપણાં બાળકો પરીક્ષામાં આગળનો નંબર સિદ્ધ કરે તેનાથી આપણે પોરસ અનુભવીએ છીએ. અને તેની આગળ ઉપરની જિંદગીની સફળતાની આ ગૅરંટી હોય તેવા ભ્રમમાં રાચીએ છીએ. સાચી વાત એ છે કે શાળા-કૉલેજની તેજસ્વિતાને પુખ્ત જીવનની સફળતા-નિષ્ફળતાઓ સાથે ઝાઝી લેવા-દેવા હોતી નથી. તમારી ગ્રહણશક્તિ, સમજણશક્તિ અને જ્ઞાનની પિપાસાને કેટલી તીવ્ર બનાવી, તે મહત્વની વાત છે.
જીવનને સમજવાની અને માણવાની સંવેદનશક્તિ આપે તે શિક્ષણ. તમારી અંદર જે પડેલું છે તેને બહેલાવે તે શિક્ષણ.
(સારાંશ : શિખરો સર કરવાની તાલાવેલી – ભૂપત વડોદરિયા)