May 18,2019 Navsari
નવસારીમાં ભારે ચર્ચા જગાવનાર દીપડાને ગત રાત્રે જંગલમાં છોડાયો ન હતો અને ‘ડાર્ટ’ મરાઈ હોય ઓબ્ઝર્વેશનમાં રાખવો પડ્યો હતો. શનિવારે દીપડો નવસારીના લુન્સીકૂઈ વિસ્તારમાં આવી ચઢ્યો હતો. આ વિસ્તારની એક અવાવરું ઝૂંપડીમાં 6 કલાક રહ્યા બાદ સાંજે પોલીસ લાઈનમાં ભરાયો, જ્યાં ‘ડાર્ટ’ મારી બેહોશ કરાયો હતો અને રેસ્ક્યુ કરાયો હતો.
પકડાયેલા દીપડાને ગત શનિવારની રાત્રે જંગલમાં છોડાયો ન હતો, ઉન સ્થિત વન વિભાગના ડેપો ખાતે જ રખાયો હતો.
રેંજ અધિકારી જણાવ્યું કે, ‘દીપડાને ગતરાત્રે છોડી દેવાયો ન હતો. તેને ઉન ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હતો. ‘ડાર્ટ’ અપાયું હોય ઓબ્ઝર્વેશનમાં રાખવો જરૂરી હતો. સંભવત: રવિવારે રાત્રે છોડવામાં આવશે.’ દીપડાને કયા નેશનલ પાર્કમાં છોડાશે તે જાહેર કરાયું નથી.
ચાર વર્ષની ઉમરના દીપડાને ઓબ્ઝર્વેશનમાં રખાયો હતો.
વન અધિકારીના ઘર નજીક પગલાં
નવસારીના ભરચક વિસ્તાર નજીક આવી ચડેલો દીપડો ક્યાંથી આવ્યો એ રહસ્ય જ છે. જોકે, સર્કિટ હાઉસ બાજુએથી આવ્યો હતો એ લગભગ નક્કી જ છે. સર્કિટ હાઉસની એકદમ નજીક રહેતા વન અધિકારી એમ. એલ. મીનાના બંગલા નજીકથી દીપડો પસાર થયો હતો અને ફૂટ પ્રિન્ટ (પગલાં) પણ જોવા મળ્યા છે.